31 October 2015

આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?

ધરતી એના ખોદનાર ને પાણી આપે છે
તો આપણે તો માણસ છીએ,
આપણું
“ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ?

(અઘરુ છે અશક્ય નથી )

29 October 2015

ધર્મ અને વીજ્ઞાન


અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

28 October 2015

આપણે મોટાં થઈ ગયાં, અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!


નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..    ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ  ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક
એલચી ન મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી

એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ
ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને
ઈસ્ત્રી કરાયેલો ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!

26 October 2015

કોઈ તમારા પર વિશ્વાસ મૂકે તો તે વિશ્વાસ કયારેય ન તોડતા.

એક ડાકુ હતો એક દિવસ તે સાધુનો વેશ લઈને નીકળ્યો હતો, તેનો ઈરાદો હતો કે સાધુનો વેશ લેવાથી બધાને છેતરીને લૂંટી લેવા જંગલમાં તંબું બાંધીને તેના બધા માણસો સાથે રહેતો. બધો લૂંટનો સામાન તંબુમાં રાખતો હતો.

એક દિવસ તેના માણસો લૂંટ કરવા ગયા હતા. તે સાધુના વેશે તંબુની બહાર બેઠો હતો. ત્યાં એક માણસ દોડતો દોડતો તેની પાસે આવ્યો સાધુના હાથમાં રૃપિયા ભરેલી થેલી મૂકી દીધી. અને કહ્યું.... મહારાજ હું બાજુના ગામમાં રહું છું. વેપારની ઉઘરાણી કરવા હું બીજા ગામ ગયો હતો. રસ્તામાં આ જંગલ આવ્યુું. હું અને મારી સાથેના બીજા વેપારીઓ અહિથી પસાર થતા હતા ત્યારે લૂંટારાઓની ટોળી આવી, બધા ગભરાઈને ભાગવા લાગ્યા, થોડાક વેપારીને લૂંટારુઓએ લૂંટી લીધા, હું ભાગી આવ્યો, લૂંટારુઓ પાછળ જ છે, તમે આ રૃપિયાની થેલી રાખો, હું પછી લઈ જઈશ...

આટલું બોલીને રૃપિયા ભરેલી થેલી મૂકીને તે વેપારી દોડીને જતો રહ્યો. થોડીવાર પછી તે ડાકુના માણસો આવ્યા. અને બધા તંબુમાં જઈને લૂંટનો સામાન જોતા હતાં. ત્યાં પેલો વેપારી આવ્યો સાધુને ન જોયા એટલે તે તંબુમાં ગયો, તંબુમાં બધા લૂટારૃઓ, લૂંટનો સામાન, બંદુુક, તલવારો જોઈને ગભરાઈ ગયો, તે સમજી ગયો કે સાધુ નકલી હતો. તેને થયું કે હવે કંઈ બોલીશ તો રૃપિયાની સાથે જીવ પણ જશે. એટલે તે બોલ્યા વગર ત્યાંથી નીકળ્યો.

એ બહાર જતો હતો ત્યારે પેલા નકલી સાધુએ તેને બોલાવ્યો. અને કહ્યું, અરે ભાઈ તમારી રૃપિયાની થેલી તો લેતા જાવ. વેપારીને નવાઈ લાગી. પણ તે ડાકુએ તેને રૃપિયાની થેલી આપી દીધી. વેપારી નવાઈથી બોલ્યો, 'માફ કરજો... પણ એક સવાલ પૂછયા વિના નહી રહી શકું, તમે બધાને લૂંટીને ધન ભેગુ કરો છો, તો આ તો સામેથી તમારી પાસે આવેલું ધન છે. તે તમે પાછું કેમ આપો છો ?

ડાકુ હસીને બોલ્યો, ભાઈ ડાકુનું કામ ધન લૂંટવાનું છે. પણ તેં એક સાધુ પર વિશ્વાસ કરીને રૃપિયા આપ્યા હતા. તને સાધુ પર વિશ્વાસ હતો. સાધુ પરનો વિશ્વાસ તૂટે. અને પછી તમારી વાત સાંભળીને બધા જ સાધુ પર અવિશ્વાસ કરે. માત્ર સાધુ પરનો તમારો વિશ્વાસ જીતાડવા જ હું તમને આ રૃપિયા પાછા આપુ છું'' વેપારી ખુશ થઈને રૃપિયા લઈને પાછો ગયો.

♦ બોધ - કોઈ તમારા પર વિશ્વાસ મૂકે તો તે
વિશ્વાસ કયારેય ન તોડતા. ♥

Thanks - Aashishbhai GK blog.

25 October 2015

વિશ્વવિક્રમોઃ કોણ, કેવી રીતે અને શું કામ કરે છે?


♥ તડકભડક : સૌરભ શાહ ♥
♥ સાભાર : સંદેશ સમાચાર ♥

મારી પાસે 'ગિનેઝ વર્લ્ડ રેકોર્ડસઃ૨૦૧૬'ની તાજી પબ્લિશ થયેલી હાર્ડ બાઉન્ડ એડિશન આવી છે. એનાં રંગબેરંગી પાનાં ફેરવતાં એક વિચાર સતત મનમાં રમ્યા કરે છે કે વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિક્રમો સર્જનારા આ હજારો લોકો દુનિયાનાં બાકીના અબજો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તમે પોતે એ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હો કે નહીં, કોઈ ફરક પડતો નથી. તમને એ વિષયની ઝાઝી જાણકારી હોય કે ન હોય, આ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ માટેના તમારા અહોભાવમાં તસુભાર ફરક પડવાનો નથી.

★ તમને ખબર છે? આ દુનિયામાં બે માણસો એવા છે જેઓ એક નહીં, બે નહીં, કુલ ૨૧ વખત એવરેસ્ટની ટોચ પર જઈને સહીસલામત પાછા આવ્યા છે. એમાંનો એક છે અપા શેરના જે ૧૯૯૦માં કે ૨૮ વર્ષની ઉંમરે પહેલ વહેલી વાર એવરેસ્ટની ટોચે પહોંચ્યો. ૨૦૧૧માં એણે આ કામ છોડી દીધું ત્યાં સુધી એ દર વર્ષે એવરેસ્ટની ટોચ પર જતો. ૪૪ વર્ષનો કુરબાતાશી શેરના પણ ૨૧ વખત એવરેસ્ટની ટોચે જઈ આવ્યો છે. આપણને થાય કે એક વખત પણ એવરેસ્ટ આરોહણ કરવું કેટલી મોટી સિધ્ધી ગણાય, અને આ લોકો તો એકવીસ-એકવીસ વખત ચડઉતર કરી આવ્યા. આપણે તો સાતમા માળના ફ્લેટ સુધી પણ એકવીસ વખત દાદરા ચડીને ગયા નથી!

★ એંશી વર્ષની ઉંમર એટલે દુનિયાને જે શ્રીકૃષ્ણ કહી દેવાની ઉંમર એવું આપણામાંના મોટાભાગના ઓ માનતા હશે. જપાનના યુઈકિરો મિઉરા નામના દાદા ૨૩ મે ૨૦૧૩ના રોજ એવરેસ્ટની ટોચે પહોંચ્યા, ત્યારે એમની ઉંમર ૮૦ વર્ષ ૨૨૩ દિવસની હતી. જો કે, નીચે ઉતરતી વખતે એમને કેમ્પ-ટુ પરથી હેલિકોપ્ટરમાં કાઠમંડુ પાછા લાવવા પડતા હતા. કાંચનઝંઘા દુનિયાનો થર્ડ હાઈએસ્ટ માઉન્ટન છે. સ્પેનના ૬૦ વર્ષ ૨૧૦ દિવસના દાદા ઓસ્કાર કાડિયાપાક ઓક્સિજનનો બાટલો લીધા વિના ૨૦૧૩માં આ પહાડ પર ચડી ગયા હતા. કાંચનઝંઘાની હાઈટ એવરેસ્ટ કરતાં લગભગ હજારેક ફીટ જ ઓછી છે.

★ ફોર્મ્યુલા-વન રેસિંગમાં ભાગ લેતા ડ્રાયવરોની કારનું તાપમાન પચાસ ડિગ્રી જેટલું થઈ જતું હોય છે, અને એમના હદયના ધબકારા ડબલ થઈને મિનિટ દીઠ બસો થઈ જતા હોય છે, અને રેસ દરમ્યાન એમના શરીરમાંથી ૩ લિટર જેટલુ પ્રવાહી ઓછુ થઈ જતું હોય છે, અને એમની રેસિંગ કારના એન્જિનની આવરદા માત્ર બે કલાક જેટલી જ હોય છે. જર્મનીનો લેજન્ડરી 'ડ્રાયવર' માઈકલ શુમાકર ૧૯૯૨ અને ૨૦૦૬ દરમ્યાન ફોર્મ્યુલા વનની ૯૧ ગ્રાંપી જીતી ચૂક્યો છે અત્યારે ૪૬ વર્ષની ઉંમર ધરાવતા શુમાકરને બે વર્ષ પહેલાં સ્કીઈંગ કરતી વખતે એક્સિડન્ટ થયો. બ્રેઈન ઈજનેરી થઈ છ મહિના કોમામાં રહ્યો, અત્યારે પેરેલિટિક છે, વ્હીલ ચેર વિના હલનચલન કરી શક્તો નથી.

★ ભારતમાં મેરેથોનની સિઝન આવી રહી છે અને અનિલ અંબાણી સહિતના લોકો રોજ દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ૨૦૧૪માં કેન્યાના ડેનિસ કિમેટોએ બર્લિન મેરેથોનમાં અગાઉના તમામ વર્લ્ડ રેકોર્ડસ તોડયા. ૪૨ પોઈન્ટ ૧૯૫ કિલોમીટરનું અંતર એણે દોડીને બે કલાક બે મિનિટ ૫૭ સેકન્ડસમાં પૂરું કર્યું.

★ બ્રિટનના ૭૧ વર્ષીય સર રેન્લ્ફ ફેઈન્ઝ દોડવાની અને સાહસો કરવાની દુનિયામાં ઘણા જાણીતા છે. એક જમાનામાં બ્રિટિશ આર્મીના ઓફિસર રહી ચૂકેલા સર રેન્લફ ૬૫ વર્ષની ઉંમરે એવરેસ્ટની ટોચે જઈ આવ્યા છે, એ પહેલાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને પર જઈ આવનારા વિશ્વના સૌ પ્રથમ માનવીનું બિરુદ મેળવી ચૂક્યા છે, પગે ચાલીને એન્ટાર્કટિકા ક્રોસ કરનારા પહેલા માણસ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ, કે ૨૦૦૩માં એક હાર્ટ એટેક આવ્યા પછી ડબલ બાયપાસ કરાવ્યાના ચાર જ મહિના પછી એમણે માત્ર સાત દિવસમાં દુનિયામાં સાત ખંડમાં યોજાતી સાત અલગ અલગ મેરેથોન રેસ પૂરી કરીઃ ૨૬ ઓક્ટોબરે સાઉથ અમેરિકા,૨૭ ઓક્ટોબરે ફોકલેન્ડ આઈલેન્ડ, ૨૮ ઓક્ટોબરે સિડની, ૨૯ ઓક્ટોબરે સિંગાપોર, ૩૦ ઓક્ટોબરે લંડન, ૩૧ ઓક્ટોબરે કાયરો અને ૧ નવેમ્બરે ન્યુયોર્ક. અને બીજી એક વાત. ૯ વર્ષ પહેલાં ૨૦૦૬માં બાસઠ વર્ષની ઉંમરે તેઓ એલિઝાબેથ નામની દીકરીના સગા બાપ બન્યા. સર રેન્લ્ફ ફેઈન્ઝે દોઢ ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે.

★ ક્રિકેટમાં તો સચિન તેન્ડુલકરનો ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન બનાવવાનો વિશ્વવિક્રમ છે જ-૧૫, ૯૨૧.

★ હોટએર બલૂનમાં એટલાન્ટિક સમુદ્ર પાર કરવાનો વિશ્વવિક્રમ ર્વિજન એરલાઈન્સ ના માલિક સર રિચર્ડ બ્રેન્સન નો છે.

★ ૧૦૦ મીટરની દોડમાં યુસૈન બોલ્ટના રેકોર્ડને કોઈ આંબી શક્તું નથી. નવ પોઈન્ટ ૫૮ સેક્ન્ડ્સ.

★ રેડિયો પર લેવાયેલો સૌથી લાંબો ઈન્ટરવ્યુ? ઓસ્ટ્રેલિયામાં 'એબીસી સિડની' માટે રિચર્ડ ગ્લોવરે સ્પોર્ટ્સ સ્ટાર પીટર ફિટ્ઝસિમોન્સનો ઈન્ટરવ્યુ લીધો- પૂરા ૨૪ કલાક.

★ રેડિયો પર સ્પોર્ટસની કોમેન્ટરી આપનારાઓમાં અમેરિકાના બોબ વોલ્ફનો વર્લ્ડ રેકોર્ડ છે. ૧૯૩૯થી પ્રોફેશનલ બ્રોડકાસ્ટ તરીકે કેરિયર શરૂ કરનાર બોબ વોલ્ફે ૨૦૧૪માં રેડિયો કારકિર્દીના ૭૫ વર્ષ પૂરાં કર્યા.

★ ભારતીય ફિલ્મોમાં ગિનેઝ બુક ઓફ રેકોર્ડ્સે આમિર ખાનવાળી 'પીકે' ની નોંધ લીધી છે, અત્યાર સુધીની કમર્શ્યલી સૌથી સફળ ઈન્ડિયન ફિલ્મ તરીકે રિલીઝ થયાના એક જ મહિનામાં રૂપિયા ૩૩૪ કરોડનો ધંધો કર્યો.

★ હોલિવુડમાં સૌથી વધુ કમાણી કરાવી આપનારા ટોપ ટેન સ્ટાર્સમાં પહેલું નામ સ્ટીવન સ્ટીલબર્ગનું છે પછી બ્રેડ પિટ (નંબર ટુ), જ્હોની ડેપ (નંબર થ્રી), ટોમ ક્રુઝ (નં. સિક્સ), ટોમ હેન્ક્સ (નંબર સેવન), લિયોનાર્દો દ'કેપ્રિયો (નંબર નાઈન) અને મોર્ગન ફ્રીમન(નંબર ટેન)ના વારા આવે.

★ પોતાના માટે સૌથી વધુ કમાણી કરનાર હોલિવુડ એકટ્રેસ સેન્ડ્રા બુલોક છે,જેણે જૂન ૨૦૧૫માં પૂરા થતાં એક જ વર્ષમાં ૫૧ મિલિયન ડોલર્સની કમાણી કરી. સેન્ડ્રા બુલોકની અત્યાર સુધીની ગ્રેટેસ્ટ હિટ ૨૦૧૩માં રિલીઝ થયેલી 'ગ્રેવિટી' હતી. જેણે વર્લ્ડવાઈડ ૭૧૬ મિલિયન ડોલર્સનો ધંધો કર્યો હતો.

★ નાટકની દુનિયામાં અગાથા ક્રિસ્ટીનું 'માઉસ ટ્રેપ' સૌથી લાંબુ ચાલેલું નાટક છે, અને હજુય ચાલે છે, એની લગભગ સૌ કોઈને જાણ છે, પણ આ વાતની ખબર બધાને નહીં હોય, કે ડિઝનીની 'લાયન કિંગ' નામની એનિમેશન ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ એ પછી ૧૯૯૭માં એ જ નામનું નાટક અમેરિકામાં બનેલું. ફિલ્મ પરથી નાટક બનાવવામાં આવ્યું એ પહેલાં ફિલ્મ જબરજસ્ત સક્સેસફુલ થઈ પણ ફિલ્મ કરતાં વધુ કમાણી નાટકે કરી છે, લગભગ પાંચગણી - સાડા પાંચ બિલિયન ડોલર્સ! વધારે મગજ ચલાવવું હોય તો જાણી લો ૧ બિલિયન એટલે ૧,૦૦૦ મિલિયન અને ૧ મિલિયન એટલે આપણા ૧૦ લાખ અને આ લખાય છે એ દિવસે ડોલરનો ભાવ છે ૬૪ રૂપિયા ૭૯ પૈસા. ગણ્યા કરો તમ તમારે.

★ ન્યૂયોર્કની રંગભૂમિ 'બ્રોડવે' તરીકે ઓળખાય છે અને લંડનની 'વેસ્ટ એન્ડ' તરીકે. બ્રોડવે પર સૌથી લાંબુ ચાલી રહેલું મ્યુઝિકલ (ગીત સંગીત ભર્યું નાટક) છે. 'ધ ફેન્ટમ ઓફ ધ ઓપેરા' એ ૨૦૧૨માં ૧૦,૦૦૦ શોઝ પૂરા કર્યા અને છેલ્લામાં છેલ્લી જાણકારી મુજબ, એના ૧૧,૨૬૩ પ્લસ શોઝ થયા છે.

★ વેસ્ટ એન્ડ પર છેલ્લાં ત્રીસ વર્ષથી વિક્ટર હ્યુગોની મહાન નવલકથા 'લ મિઝરેબલ' (જેનો સુંદર ગુજરાતી અનુવાદ 'દુખિયારા'ના નામે ઉપલબ્ધ છે) પરથી બનેલું મ્યુઝિકલ ચાલી રહ્યું છે, હજુય ચાલે છે.

★ વિશ્વવિક્રમોની દુનિયા ફેસિનેટિંગ હોય છે. જો કે, આ દુનિયામાં અનેક ગાંડાઘેલા જેવા રેકોર્ડ્સ પણ હોવાના. જર્મનીના આન્દ્રે ઓર્ટોલ્ફે કેવો વિશ્વવિક્રમ કર્યો છે, ખબર છે? ટેબલ પર મૂકેલા એક વટાણાને એક જ ફૂંકે ૨૪ ફીટ ૭ પોઈન્ટ ૬ ઈંચ દૂર ધકેલી દેવાનો વર્લ્ડ રેકોર્ડ એના નામે છે.... તાળીઓ.... અને જેમનું ગજું ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ થવાનું ન હોય એમણે શું કરવું? અરે ભાઈ, ઘરદીવડાઓ માટે 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ' તો છે જ ને!

♦ આપણે નિષ્ફળતાઓમાંથી શીખતા હોઈએ છીએ, સફળતાઓમાંથી નહીં. ♦
- બ્રેમ સ્ટોકર

('ડ્રેક્યુલા'ના રાઈટર)

આગળ થી વાંચો-પાછળ થી વાંચો જવાબ એક જ આવે.

                                  
(1)મલયાલમ

(2)નવજીવન

(3)લીમડી ગામે ગાડીમલી

(4)બુધાનુંધાબુ

(5)કમુ ચા મુક

(6)ડીસા ની સાડી

(7)જો ચૂનીયાનીચુ જો

(8)વીસાવડીગામેગાડીવસાવી

(9)જો જગા ના ગાજ જો

(10)લીલા ની લાલી....

દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો.


... ... એક દિવસની વાત છે. છોકરીની માતા ખુબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માંડ માંડ પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે. એ તો દિવસ-રાત જોયા વગર વધતી જાય છે. ગરીબી ની હાલતમાં આપને તેના લગ્ન કેવી રીતે કરી શકીશું..??? બાપ પણ વિચારમાં પડ્યો. બંને એ હદય પર પત્થર મૂકી એક કારમો નિર્ણય લીધો કે આવતી કાલે દીકરીને મારીને દાટી દઈએ.

બીજા દિવસનો સુરજ ગંભીરતા પૂર્વક, ન નીકળવાની ઈચ્છા સાથે માંડ માંડ ઉગ્યો. માતાએ તેની દીકરી ને સરસ નવડાવી, માથા માં તેલ નાંખી આપ્યું વારંવાર તેની આલિંગન આપી ચુમતી. આ જોઈ દીકરીએ સહસા પૂછ્યું :- માં, મને ક્યાંક દુર મોકલે છે કે શું ??? નહીંતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી. માતા ચુપ થઇ માત્ર રડવા લાગી. તેવામાં તેના એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઇ આવ્યા. માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી. રસ્તા માં ચાલતા ચાલતા તેના પિતાના પગ માં કાંટો વાગ્યો દીકરીએ તરત નીચા નામી કાંટો કાઢી આપ્યો. બાપની આંખ ભીની થઇ ગઈ. એક સુમસામ જગ્યાએ પિતાએ કોદરી વડે ખાડો ખોદવાનું શરુ કર્યું. દીકરી સામે બેસી હતી. થોડી વારમાં પિતાને પરસેવો થતા દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લુછી આપ્યો. બાપે ધક્કો મારી તેને દુર બેસવા કહ્યું. ધોમધખતા તાપને લીધે તેના બાપનો પરસેવો લૂછતાં બોલી :- પિતાજી તમે આરામ કરો હું તમને ખાડો ખોદવા માં મદદ કરું. મારા થી તમારું દુ:ખ જોવાતું નથી. આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લઇ લીધી તેમની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યો. તેનું હદય પરિવર્તન થયું. તે બોલ્યો :- દીકરા, મને માફ કરી દે, આ ખાડો તો હું તારા માટે ખોદતો હતો, અને તું મારી ચિંતા કરે છે ??? હવે જે થવું હોય તે થાય, આપણે હંમેશા સાથે રહીશું. થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામ થી કરાવીશ. ત્યાર બાદ માં-બાપ અને દીકરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા. અને સમય આવ્યે દીકરીના ધામ-ધૂમ થી લગ્ન પણ થઇ ગયા..

મારે જંગલને શહેર નથી બનાવવું.

એક માણસે કુતરાના કાનમાં કાંઈક  કીધુ,
કૂતરાએ આપઘાત કર્યો.
જંગલમાં ખળભળાટ મચી ગયો.!
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવ્યું કૂતરાને ગાળ દિધેલી.
સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું  " તું માણસ જેવો છે"
એવી હીન કક્ષાની ગાળ દીધી હતી,
જેથી કૂતરાને લાગી આવ્યું.
સિંહે સભા બોલાવી, કાગડાના આગેવાનોએ જણાવ્યું શ્રાધ્ધ ખાવાનો સામુહિક બહિષ્કાર કરી અને માણસના પિતૃ પદેથી પણ રાજીનામું આપવું.
ત્યાં વચ્ચે શિયાળ બોલી ઊઠયું કે અમે એક પણ વખત લુચ્ચાઈ કર્યાનો દાખલો નથી છતાં બિજા ધોરણથી 'લુચ્ચો શિયાળ' પાઠ ભણાવે છે,
જે તાકીદે અભ્યાસક્રમમાથી દુર કરવો.
ત્યાં વાંદરાએ સોગંદનામું સિંહના હાથમાં ધરતાં જણાવ્યું કે અમો માણસના પૂર્વજો હોવાનો માણસોનો દાવો પાયા વિહોણો અને અમોને બદનામ કરવાનો કારસો છે તેની નોંધ લેવી.
બધા પ્રાણીઓનો કોલાહલ વધી ગયો થોડી અવ્યવસ્થા સર્જાય,
આ જોઈ સિંહ તાડૂક્યો,
જો તમારે માણસવેડા કરવા હોઈ તો જવા દયો.
મારે જંગલને શહેર નથી બનાવવું!!!!

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે.

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી...

"બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે..." પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુ જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા....

એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.

બારી પાસેનો પલંગ ખાલી પડયો!

થોડા દિવસો પછી...બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? - જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું "પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!"

ઉપસંહાર:

બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!"

આજ તો સૌગાદ છે તેથી જ તો તેને "Present" કહેવાય છે.

હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો.

હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો, પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે આ વિશ્વમાં વ્યક્તિને જોવાની લોકોની અલગ-અલગ નજર હોય છે -- અજ્ઞાત

🌻🌻

દુખ ના દરેક
દસ્તાવેજ ઉપર
પોતાના જ
હસ્તાક્ષર
હોય છે...
જો વાંચતા
આવડે તો.

🌻🌻

કેટલું યે સાચવો તોય આ તો
સંબંધ છે, પળમાં યે તૂટે
વર્ષોથી લાડમાં ઊછરેલા શ્વાસ
કદી એકદમ અણધાર્યા ખૂટે
સીંચીને લાગણીની વેલને ઉછેરો
ને વેલ કેવી વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય.
ડાળીને અંધારા ફૂટે
સંબંધ છે પળમાં યે તૂટે
અળગા થવાનું કાંઇ સહેલું નથી
ને સાથે ટહુકાઓ રૂંધાય.
નાનકડા ઘર મહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાં યે તૂટે.

– હિતેન આનંદપરા

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

...મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં...

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે....

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે...

"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું...

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

"તૂટેલા સ્વપ્નો" અને
"અધુરી લાગણીઓ" કરતા-

"તૂટેલા રમકડા" અને
"અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક "અંગુઠા"
પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે "પીઝા" મા
નથી આવતો...

ફક્ત મારેજ નહી,
-આપણે બધાને ફરી સ્કુલે
જવું છે...