29 July 2017

*શબ્દો બહું જ વિચારીને બોલો*


એક માણસ ગીરના જંગલ માંથી પસાર થતો હતો
ત્યાં સાવજ ના કણસવા નો અવાજ સંભળાયો

નજીક જઈને જોયું તો સાવજ ના પગમાં કાંટો ખૂંચી ગયેલો
માણસે પાસે જઈને કાંટો કાઢ્યો અને પોતાના રોટલા સાવજ ને ખવડાવ્યા
સાવજ અને માણસની ભાઈબંધી થઈ

માણસ બાજુ ના નેસડા માં રહેતો હતો
સાવજ આખો દિવસ માણસ ધરે રહેતો
પાકી ભાઈબંધી થઈ ગઈ

એક દિવસ માણસને ત્યાં મહેમાન આવ્યા
સાવજ ને બાજુ માં બેઠેલો જોઈને મહેમાન ની ડેલી માં જવાની હિમ્મત ના થઈ

એટલે
માણસે કીધું કે
*"ચાલ્યા આવો સાવજ કંઈ નહી કરે*
*એતો મારા પાળેલા કુતરા જેવો છે"*

મહેમાન અંદર આવ્યા
મહેમાનગતી માણીને નિકળી ગયા પછી

સાવજે માણસને કીધું કે....
બાજુ મા પડેલી  કુહાડી મારા માથામાં માર નહીતો હું તારો કોળીયો કરી જઈશ
માણસે ડરના માર્યા સાવજ ના માથામાં કુહાડી મારી
અને સાવજ લોહીલુહાણ હાલતમાં ડેલી બહાર નીકળી ગયો

છ મહિના પછી એક દિવસ સાવજ માણસ પાસે આવ્યો અને કીધું કે...
તે મારેલો કુહાડી નો ઘા તો રૂઝાઈ ગયો
પણ
તે મને *પાળેલા કુતરા* જેવો કીધો હતો
એ તારા શબ્દો નો ધા ક્યારેય નહી રૂઝાય........

માટે આજ પછી જો મારી નઝરે ચઢીશ તો જીવતો નહી છોડું

સારાંશ :
*શબ્દો બહું જ વિચારીને બોલો*
*કારણ કે....*
*શબ્દો અને વતૅન ના ઘા જીંદગી ભર રૂઝાતા નથી...*

કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં.

એક વૃદ્ધ સ્ત્રીએ પોતાનું એ.ટી.એમ કાર્ડ બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.” ફરજબજાવતી કેશિયરે કહ્યું, ” રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”
વૃદ્ધ સ્ત્રીએપૂછયું, ” કેમ ? ” બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો, ”  આટલું કહી તેણે કાર્ડ વૃદ્ધ સ્ત્રીને પરત કર્યું.
વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”
જયારે કેશિયરેવૃદ્ધ સ્ત્રીના ખાતા માં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ? ”
વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”
કેશિયરે જણાવ્યું ,” તમે ત્રણલાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો. ”
વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી. વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ.
કહેવાનું  તાત્પર્ય એ છે કે નીતિ નિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરી શકીએ.
કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.
જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધરી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે...

23 July 2017

“સાહેબ મારું પુરવણી બિલ તો આ મહીને જ મળી જશેને??”

“સાહેબ મારું પુરવણી બિલ તો આ મહીને જ મળી જશેને??”



    શનિવારનો સમય હતો. બપોરનો એક વાગ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને કચેરી એ એક શિક્ષક આવ્યો.
   “હું અંદર આવી શકું સાહેબ” આવનાર શિક્ષક બોલ્યો.
“ હા ચોક્કસ ,બોલો શું કામ હતું? ટીપીઈઓ સાહેબે કહ્યું.
  ટીપીઈઓ સાહેબ એટલે તાલુકા પ્રાયમરી એજયુકેશન ઓફિસર!! જીલ્લા કક્ષાએ ડીપીઈઓ સાહેબ હતાં પહેલા અને સરકારશ્રીને થયું કે હજુ કશુંક ખૂટે છે એટલે તાલુકે તાલુકે એક એક ટીપીઈઓ સાહેબની નિમણૂક કરી!!
    “સાહેબ મારું પુરવણીબીલ તો આ મહીને જ મળી જશેને??? મારે ખાસ જરૂર હતી સાહેબ!! મારા આચાર્યશ્રીને મેં કાલે વાત વાત કરી હતી. એણે કેન્દ્રવર્તી શાળાનાં આચાર્યશ્રીને વાત કરી હતી અને એ કહેતા હતાં કે મેં સાહેબ સાથે વાત કરી લીધી છે!! આ પગારે તમારું પુરવણી બિલ પગારની સાથેજ થઇ જશે તોય કાલે શનિવાર છે ને અને પગાર લગભગ સોમ કે મંગળવારે થઇ જશે એટલે તમે નિશાળ પૂરી કર્યા પછી રૂબરૂ જઈ આવજોને એટલે હું રૂબરૂ મળવા આવ્યો છું સાહેબ એટલે માફ કરજો પણ આ મહીને મારું પુરવણી બિલ નીકળી જાય એટલે કામ થઇ જાય સાહેબ!! આપનો ખુબ ખુબ આભાર સાહેબ” આવનાર શિક્ષક વિનમ્રતા પૂર્વક બોલ્યો. જવાબમાં ટીપીઈઓ સાહેબે એને નામ અને શાળા વિષે પૂછ્યું. આવનાર શિક્ષકે જવાબ આપ્યો. અને સાહેબ બોલ્યાં.
    “ઘણાંના પુરવણી બિલ હજુ આવ્યાં નથી!! આવશે એટલે એક સાથે જ પુરવણી બિલ નીકળી જશે. અહી ના આવ્યા હોત તો પણ ચાલત!! મારાં વિષે તમને મેસેજ તો મળી ગયા જ હશે!! હું અહી કામ કરવા જ આવ્યો છું!! પણ બધાનું!! કોઈ એક નું નહિ!! બધાનાં પુરવણી બિલ એક સાથેજ નીકળશે!! બરાબર હજુ હું આવ્યોને એને ત્રણ જ મહિના થયાં છેને તોય તમારું બધાનું ઉચ્ચતર પગાર ધોરણ પણ મંજુર થઇ ગયું છે ને તો વિશ્વાસ રાખો!! જેમ એ ફટાફટ થયું છે એમ પુરવણી બિલ પણ મંજુર થશે!! પણ સ્પેશયલ કેસમાં કોઈ એકનું પુરવણી બિલ મંજુર હું નથી કરતો!!” ટીપીઈઓશ્રી એ પોતાની વાત રજુ કરી.
     “ હા સાહેબ તમારાં વિષે સાંભળ્યું છે એટલે જ હું અહિયાં આવ્યો છું, આપે જે રીતે ફટાફટ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપી દીધો એટલે જ હૈયે ધરપત બેઠી છે કે મારું આ કામ પણ થઇ જશે!! મારી પરિસ્થિતિ જ એવી વિકટ થઇ ગઈ છે કે આ પગાર બિલે જો પુરવણી બિલ નહિ આવે તો ભારે થશે!!” શિક્ષકે વળી પોતાની વેદના ઠાલવી!!
        “ હું સાંજ સુધી રાહ જોઉ છું, હજુ ઘણી કેન્દ્રવર્તી શાળાનાં પુરવણી બિલ આવવાના બાકી છે, આવી જશે એટલે હું આ પગાર બિલ સાથેજ એને એડ કરી દઈશ!! તમારા હકના નાણા છે અને એ તમને સમયસર મળવા જોઈએ એવું હું પણ માનું છું… અને એમાં મારે ક્યાં બળ કરવાનું છે!! બિલ બરાબર હોય તો મારે ફક્ત એક સહી કરવાની છે અને એ માટે જ હું આ ખુરશી પર બેઠો છું!! બોલો બીજું કાઈ કામ હોય તો કહો” આવનાર શિક્ષક ફરી એક વખત ભલામણ કરીને જતો રહ્યો. ટીપીઈઓ સાહેબ ઓફિસમાં એકલા પડ્યાં!!
   છેલ્લાં ત્રણ મહિનાથી એ અહી આવ્યાં હતાં. બે કલાર્ક હતાં પણ લાંબી રજા પર હતાં. શાળા સમય બાદ કેટલાક શિક્ષકોને એ બોલાવતા અને પેન્ડીંગ કામ કર્યે રાખતા!! હતાં પુરા નિષ્ઠાવાન અને પ્રામાણિક!!…. એટલે જ જીલ્લામાંથી સ્પેશ્યલ એને આ તાલુકામાં મુકવામાં આવ્યા હતાં!! હાજર થયાં પછી પેલી જ આચાર્યની મીટીંગમાં એણે પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી હતી.
    “હું આપને બને ત્યાં સુધી રૂબરૂ નહિ બોલાવું, પગાર બિલ મોડામાં મોડું ૨૫ તારીખે મને મળી જવું જોઈએ, પૂરે પૂરું તૈયાર કરીને જ લાવવું પછી અહી આવીને ઓફિસમાં જેમ આણાં પાથર્યા હોય એમ કાગળિયાં પાથરીને બિલ બનાવશો એ મને નહિ ગમે!! મારા નામે કોઈએ કશો વહીવટ નથી કરવાનો!! તમારે કઈ કામ ના હોય અને આવવું હોય તો પાંચ વાગ્યા પછી આવી જશો મને ગમશે પણ ચાલુ નિશાળેથી હું બોલાવું તો જ આવવું!! બાકી કામના કલાકો દરમ્યાન શાળામાં તમારી ખુરશી ખાલી રહે એ મને નહિ ગમે!! તમારાં બધાંજ પડતર પ્રશ્નો ઉકેલાઈ જશે”
     અને થયું પણ એવું જ!! જેવું એ બોલતાં જ એવું એ કામ કરતાં.!! શાળા સમય બાદ ચારેક શિક્ષકો આવતાં અને ઓફિસનું કામ પતાવતાં!! કારણકે બે ક્લાર્ક તો લાંબી રજા પર હતાં. ટીપીઈઓ સાહેબે પુરવણી બીલની ફાઈલ કાઢી. હજુ અડધાં ઉપરનાં બિલ આવવાનાં બાકી હતાં. બાકી બિલ હતાં એના કેવ આચાર્યશ્રીને ફોન કર્યા. ઘણાએ આજ આપું છું અને બાકીના એ સોમવારે લાવું છું એમ કીધું. પગાર બિલ તો બધાય ટાઈમસર આપી ગયાં હતાં પણ પુરવણી બીલમાં બધાં એક બીજાને ખો આપતાં હતાં. એ ભલે આ તાલુકામાં ત્રણ મહિનાથી આવ્યા બાકી એને આ વહીવટ નો અનુભવ સમજાઈ ગયો જ હતો!! કઈ વાંધો નહિ પુરવણી બિલ આવતાં મહીને કાઢીશું , બધાને મોડું લેવું હોય તો હું શું કરી શકું,?? ટાઈમસર ના લેવું હોય તો એ એની મરજી છે એવું એ મનોમન બબડ્યા!!
    ત્રણેક શિક્ષકો આવ્યાં!! જે લગભગ કાયમ આવતાં અને પગાર બિલનું ફોરવર્ડીંગ કર્યું!! બધાં જ આંકડા મેળવી લીધાં હવે ફક્ત તાલુકામાં સહી થાય અને ચેક નીકળી જાય એટલે આવતાં સોમવારે પગાર થઇ જાય!! જ્યારથી એ આ તાલુકામાં આવ્યા હતાં ત્યારથી પગાર ટાઈમસર જ થઇ જતો.
     ઓફીસ સમય પૂરો કરીને ટીપીઈઓ સાહેબ પોતાની રૂમે ગયાં. એક સુટકેશમાં થોડા કપડાં લીધાં!! આજે તે દ્વારકા જઈ રહ્યા હતાં!! મહિનામાં બે શનિ રવિ એ દ્વારકામાં વિતાવતાં!! ટીપીઈઓ સાહેબને બે જ શોખ હતો. એક વાંચન નો અને એક દ્વારકા જઈને દ્વારિકાધીશના દર્શન કરવાનો!! લગ્ન કરીને હેરાન થવાનું દુ:સાહસ હજુ સુધી એણે કર્યું જ નહોતું!! એ એક રૂમમાં એકલા જ રહેતાં હતાં અને આમેય હજુ યુવાન પણ હતાં!! સાંજે એક દ્વારકાની સીધી બસ ઉપડતી, જે બીજે દિવસે સવારે આઠ વાગ્યે દ્વારકા પહોંચાડી દેતી અને આખો દિવસ તે દ્વારકામાં રોકાય અને ત્યાંથી એક બસ આ તાલુકાએ આવવા ઉપડતી જે બીજે દિવસે સવારે પહોંચાડી દેતી!!
    રાતે આઠ વાગ્યે ટીપીઈઓ સાહેબ બસમાં બેઠાં. બસ ઉપડવાને હજુ વાર હતી. એવામાં એની બાજુમાં એક મોટી ઉમરના વડીલ આવીને બેઠાં!! બસ ઉપડી!! થોડીવાર પછી એ વડીલે પોતાના ખીસ્સામાંથી એક મોબાઈલ કાઢ્યો અને વાત શરુ કરી..!!
   “કોણ નાનજી ખીમો બોલું છું!! કેમ છો!! મજામાં………. તારું એક કામ હતું!! દોઢેક લાખ રૂપિયા બેક મહિના જોતા હતાં!! વિયાજ થાઈ ઈ લઇ લેજેને મારે બે જ મહિના કપાણ છે બાકી જો થાય એમ હોય તો કેજે”!!! વડીલે બીજાને ફોન લગાડ્યો!! એની એ જ વાત પણ સામેથી કોઈ ધાર્યો જવાબ નહોતો આપતો!!! પણ છેલ્લો ફોન ટીપીઈઓ સાહેબે બરાબર સાંભળ્યો ને એ વડીલને જોઈ જ રહ્યા!! વડીલે પોતાના એક દીકરાને ફોન કર્યો હતો!!
    “ હાલ્ય બટા!! હું મોટા ને મળી આવ્યો. મોટાની હારે જ હું એના સાબની ઓફિસે ગયો તો અંદર નોતો ગયો પણ મોટા એ કીધું કે એનું કાંઇક બિલ બાકી છે એ કદાચ આ મહીને પણ નહિ આવે આવતાં મહીને આવે ત્યાં લગણ તું પૈસાનો મેળ કરી દેને, અત્યાર સુધી બધું મોટાએજ કર્યું છે ને તું તારી સગી બહેન માટે આટલુય નહિ કરે!! તારી માં ની સામું તો જો એ ઉઘાડા પગે આંટા મારે બિચારી!! એ તારે વ્યાજ લેવું હોય તો વિયાજ લે જે પણ બાપને આટલી મદદ કરી દેને!! ગમે ત્યાંથી મેળ કરી દેને!! આ તો મોટાને થોડું અટવાણું છે ને એટલે તારી પાસેથી માંગુ છું અને તું ભલે ના પાડ પણ તારી પાસે છે સગવડ!!!! હાલો…… હાલો…..
     હાલો…… મારા બટા એ ફોન કાપી નાંખ્યો” વડીલ બબડતા રહ્યાં આંખમાંથી બે ત્રણ આંસુ પડ્યાં, ટીપીઈઓ સાહ્બેને અચાનક જ યાદ આવ્યું કે પેલો શિક્ષક આજે ઓફિસમાં આવ્યો ત્યારે આ જ વડીલ રસ્તા પર બહાર ઉભા હતાં. એણે પૂછ્યું.
   “દાદા કોઈ તકલીફ છે, શું વાત છે તમે આમ ગભરાયેલા લાગો છો. કાંઇક વાત કરો તો ખબર પડે”
   “શું વાત કરું ભાઈ જ્યારે પેટનાં જણ્યા જ સગા બાપનો ફોન કાપે ત્યારે શું વાત કરું અજાણ્યાને” સાહેબે વડીલને થોડી ધરપત આપી એટલે એણે પોતાની હૈયા વરાળ ઠાલવી.
  “સાબ મારું નામ ખીમો, મારે ત્રણ દીકરા અને એક દીકરી છે!! આમ જુઓ તો એક જ દીકરો જે દીકરો કહેવાને લાયક છે બાકી નાના બેય પોતપોતાની જિંદગી જીવે છે ટેસથી!! એય ને હું ને મારી વહુ!! એમાં આવી ગયું સહુ” એવું જ છે સાહેબ!! સાબ મારો મોટો દીકરો માસ્તર છે, આમ તો એણે જ નાના બેયને ભણાવ્યા મારી નાની દીકરી પરણી તોય એનો ખર્ચ પણ મોટાએજ આપ્યો.
   એ હજુ ભાડાના મકાનમાં રહે છે સાબ અને નાના બેયને ઘરનાં મકાન છે. મારી દીકરી વરસ દિવસ પહેલા સુવાવડ કરવા આવી હતી. ભાણીયાનો જન્મ થયો. પાંચ મહિના પેલાં એ અમારા ગામના તળાવની પાળેથી પડી તે પગ ભાંગી ગયો. ઘણી દવા કરી પણ લંગડાતી હાલે છે. પગમાં રસી થઇ ગયું. ચાર ઓપરેશન કરાવ્યા. ઘણાં પૈસા બગાડ્યા!! પણ કોઈ ફેર નહિ!! આહીના એક ડોકટરને કીધું તો એણે કીધું કે મુંબઈ લઇ જાવ બે લાખ નો ખર્ચ થશે પણ સારું થઇ જાશે શરીરમાંખોડ નહિ રે..
  આજુબાજુના ગામવાળાના ચારેક જણા એ ડોકટર પાસે જઈ આવ્યા ઠેઠ મુંબઈ!! અને એને સારું થઇ ગયું છે એ મેં નજરે જોયું!! હવે આ જ શનિવાર છે ને તો આવતા બુધવારે અમારા ગામમાંથી એક મોટર મુંબઈ જાય છે એને પણ આવો જ કેસ છે એણે કીધું કે તમે અમારી ભેળા હાલો તમારું ભાડું નહિ લઈએ અને ત્યાં પંદર દી રોકાવું પડે તો એના સંબંધીને ત્યાં વ્યવસ્થા થઇ જાશે!! અને ડોકટરે કીધું કે તમે જલદી ઉતાવળ કરો નહીતર પછી મુંબઈ પણ નહિ મટે!! અને મારી છોકરીના સાસરીયા કોઈ કાઈ મદદ નથી કરતુ!!
   ઉડતી ઉડતી વાત આવે છે કે છોકરીને સારું થશે તો જ લાવવી છે નહીતર લખણું કરી દેવું છે.છુટું કરી દેવું છે!! આ સાંભળીને મને તો કાઈ કાઈ થઇ જાય મારી છોકરી વસુ નું શું થાશે સાબ!! વસુની માં એ બાધા લીધીકે મારી વસુને સાવ સારું નો થાય ત્યાં સુધી હું પગમાં ચપલા નહિ પેરુ એટલે પૈસાની સગવડ કરવા મારા મોટા દીકરા પાસે આવ્યો હતો. ખબર જ હતી મને કે એ બિચારા પાસે કઈ નથી તોય!! એનેય બે છોકરા છે અને એની વહુ પણ બીમાર રહે છે!! પગાર આવ્યો નથી કે વપરાણો નથી પણ તોય એણે મને કીધું કે મારે એક પુરવણી ફૂરવણી એવું કંઇક બિલ આવવાનું છે, ઈ આવે તો કામ થઇ જાય. મોટાની વહુ પર જે આછું પાતળું ઘરેણું હતું એય મોટાએ વેચી નાંખ્યું તે માંડ પચાસ હજાર આવ્યા છે..
    હજી દોઢ ઘટે છે!! પેલેથી મજુરી કરીએ છીએ!! જમીન હોત તો વેચી નાખત!! આ તો મોટો મોકલે એટલે જીવી લઈએ છીએ બાકી હવે પેલા જેવું કામ નથી થતું મારાથી!! ગામમાં પૈસા માંગ્યા તો દાંત કાઢે છે કે નાના બેય ને કહો ને સગા દીકરા પૈસા નથી આપતાં તે તમને બીજું કોણ આપે?? મારી વસુના લગ્ન વખતે મોટાએ માસ્તરોની મંડળી માંથી પાંચ લાખ ઉપાડ્યા હતાં ઈય હજી પૂરા નથી થયાં એટલે મંડળી તો મળે નહિ તોય એ બીજા શિક્ષકોને એ કરગરી જોયો પણ કોઈ મેળ નથી ખાતો.
     મેં તો કીધું કે તારા મોટા સાબને હજાર પંદરસો ગુડ્યને કામ થતું હોય તો પણ ઈ કહે કે સાબ નિયમસર જ કામ કરશે પૈસા નહિ લે, આવું છે સાબ!! મારા નાના દીકરા ધારે તો દોઢ નહિ પાંચ લાખ આપે પણ ઈ મારી હારે બોલતાં જ નથી!! સગા બાપ સામે વાંધો છે બોલો એને!! એની વહુઓ એટલે જાણે અપસરા નો પેરે એવા કપડાં પહેરે એટલે એક વખત મારાથી કેવાય ગયું કે આપણને આવા ખર્ચા ના પોસાય એમાં તો એને મારી હારે બાટી ગયું. તોય નકટો થઈને ચાર દી પહેલા જ એના ઘરે ગયોતો!! પણ પૈસો નથી એમ કહી દીધું.
   એની વહુઓ પણ એવી જ મારી સામે પણ ના જોયું સાબ!! હશે મારા કોઈ પાપ કર્મ મારા બાકી બીજું શું હોય !! ત્રણ ત્રણ ભાઈ હોય અને સગી બહેન હેરાન થાય આવું તો સપનેય ના વિચાર્યું હોય ને” બોલતાં બોલતાં વડીલ પાછા રોઈ પડ્યા. થોડીવાર પછી એ બોલ્યાં સાબ તમે આ બસમાં ક્યાં સુધી જાવ છો!!
   “હું દ્વારકા જાવ છું, દ્વારકાધીશના દર્શન કરવા”
“જય દ્વારકાધીશ. સાબ મારા વતી દર્શન કરજોને અને એક કામ કરો આ લ્યો પચાસ રૂપિયા મારા વતી ભગવાનને એક શ્રીફળ ચડાવજો અને પ્રસાદ લેજો. સાચું કહું મોટાના જન્મ વખતે હું અને એની માં હાલીને દ્વારકા ગયાં હતાં. મોટો હતો એકાદ વરસનો !!
   એટલે જ મારો મોટો દીકરો સોજો છે સાહેબ ઈ એક જ સારો હો ,, બાકીના બે ય કંસ જેવા પાક્યા સગી બહેન દુખી થાય તોય એના પેટનું પાણી ના હાલે આના કરતાં તો છોકરા વગરના સારા છોકરા વગરના” વડીલ પાછા બડબડાટ કરતાં રહ્યા અને ટીપીઈઓ સાહેબ સાંભળતા રહ્યા. થોડીવાર થઇ ત્યાં બસ ઉભી રહીને પેલા વડીલ ઉભા થયાં અને પાછા કહેતા ગયા કે મારું શ્રીફળ દ્વારકાધીશને ચડાવી દેજોને એ કાંઇક ઉકેલ લાવી દેશે!
બસ આગળ ચાલી પણ ટીપીઈઓ સાહેબ મથામણ માં પડી ગયા, વારે વારે તેને પેલાં શિક્ષક અને એના પિતાનો ચહેરો યાદ આવતો હતો અને એજ શબ્દો હથોડાની જેમ એનાં માથામાં વાગતા હતાં “ સાહેબ મારું પુરવણી બિલ તો આ પગારે નીકળી જશે ને??? એક હોટેલ પર બસ રોકાણી અને ટીપીઈઓ સાહેબ બસમાંથી ઉતરી ગયાં અને હોટેલ પર એક બીજી બસ ઉભી હતી એ તાલુકાએ જતી હતી એમાં બેસી ગયાં.એ તાલુકાએ પહોંચ્યા ત્યારે રાતે બાર વાગી ચુક્યા હતાં.એક જ હોટેલ ખુલી હતી. ત્યાં એણે ચા પીધી અને એક શિક્ષક્ને ફોન લગાવ્યો.
  “કિશોરભાઈ અત્યારે કચેરીએ આવી શકશો એક અગત્યનું કામ છે!! હું પટાવાળાને કહું છું એ ઓફીસ ખોલે છે” કિશોરને પણ નવાઈ લાગી કે અચાનક રાતે બાર વાગ્યે કામ આવી પડ્યું નક્કી કોઈ મોટો ઉત્સવ આવી રહ્યો હોવો જોઈએ.
  ટીપીઈઓ કચેરી રાતના એક વાગ્યે ખુલી!! પુરવણી બીલની ફાઈલ ખુલી!! જેટલાના પુરવણી બિલ આવ્યા હતાં તે જે તે કેવ શાળાની ફાઈલમાં એડ થયાં!! બે કલાકના અંતે પગાર બિલ નવું બન્યું!! ફરીથી સાહેબે અને કિશોરે ચા પીધી.
     “સોમવારે ૧૧ વાગ્યે બધાને ચેક મળી જવા જોઈએ એવું ગોઠવવું પડશે અને સાંજ સુધીમાં પગાર થઇ જવો જોઈએ એવું કરવું છે” ટીપીઈઓ સાહેબે કિશોરને વાત વાતમાં કહ્યું.
   “સોમવારે નહિ થાય કારણકે ટીડીઓ સાહેબ રવિવારે આઠ વાગ્યે બહાર જવાના છે એવી ખબર છે એટલે કદાચ એ બુધવારે આવે પછી સહી થશે એની અને પછી પગાર” કિશોર પાસે બધાં અધિકારીની જાણકારી રહેતી. અને આમેય તાલુકામાં એવા બે ત્રણ શિક્ષકો તો તમને મળી જ જાય કે એને આખા તાલુકાના અધિકારીની ખબર હોય.
    “તો તો સવાર સવારમાં જ ટીડીઓ સાહેબને પકડવા પડશે, સારું કર્યું તમે મને કીધું, ચાલો ત્યારે ગુડ નાઈટ” કહીને ટીપીઈઓ સાહેબ ઉભા થયાં અને રાતના ત્રણ વાગ્યે કચેરી બંધ થઇ. સાહેબે પગાર બિલ પોતાની પાસે રાખ્યું. સવારમાં સાત વાગ્યામાં એણે ટીડીઓ સાહેબ આગળ પગાર બિલ રજુ કર્યું. અને બધીજ એકડે એકથી કરી !!
    વાત સાંભળીને ટીડીઓ સાહેબને દાતણ મોઢામાં જ રહી ગયું!! દાતણ અધૂરું મુકીને સાહેબે પગારબીલમાં સહી કરી દીધી. અને હિસાબી અધિકારીને ફોન પર કહી દીધું કે શનિવારની તારીખમાં ચેક કાઢી નાંખો!! અને સોમવારે બધાં જ કેવ શાળાનાં આચાર્યશ્રીને બોલાવીને ચેક આપી દો. હું બેંક મેનેજર રાજપુરાને કહી દઉં છું કે સોમવારે શિક્ષકોના ખાતામાં પગાર પડી જવો જોઈએ આટલું કહીને ટીડીઓ સાહેબ ન્હાવા જતાં રહ્યા.
   ટીપીઈઓ સાહેબે સોમવારની રજા મુકીને રવિવારે રાતે ફરીથી દ્વારિકા વાળી બસમાં બેઠા. સવારે એ દ્વારિકા પહોંચ્યાં!! ગોમતી ઘાટ પાસેથી બે શ્રીફળ અને બે પ્રસાદીના પડીકા લીધા અને દ્વારિકાધીશના દર્શન કર્યા. ભગવાનની મૂર્તિ આજે અદ્ભુત દેખાતી હતી. દર્શન કરીને પછી તે મંદિરની આજુબાજુ ફર્યા અને બાજુની એક ધર્મશાળામાં એ સુતાં!!!
   સાંજના પાંચ થવા આવ્યા હતાં અને સાહેબ જાગ્યા!! છેલ્લી વાર ભગવાનનાં દર્શન કરીને એ બસ સ્ટેન્ડ પર જવાના હતાં ને ત્યાંથી રાતની બસ મળવાની હતી. સાહેબનો મોબાઈલ રણક્યો!! નંબર અજાણ્યો હતો!!
  “હેલ્લો કોણ??”
  “સાહેબ હું ચિરાગ બોલું છું!! સાહેબ હું શનિવારે ઓફિસે આવ્યો હતો ને પુરવણી બિલનું કેવા એ ચિરાગ!! સાહેબ આપનો ખુબ ખુબ આભાર!! ભગવાન આપને સો વરસના કરે!! મને પુરવણી મળી ગઈ સાહેબ!!સાહેબ મારે ખુબ જરૂર હતી. આચાર્ય પાસેથી તમારો નંબર લીધો!! સાહેબ મારે તમને મળવા આવવું છે!!તમે ક્યાં છો સાહેબ??
  “અરે ચિરાગભાઈ મળવાની કોઈ જરૂર નથી અને એમાં આભાર માનવાની પણ જરૂર નથી.તમારાં હકના પૈસા તમને મળ્યાં છે. મેં મારું કામ કર્યું છે એમ સહુ સહુનું કામ કરે તો સારું હું અત્યારે દ્વારકા છું . મંદિરે દર્શન કરીને સાંજે નીકળવાનો છું” સાહેબે કહ્યું.
   “જય દ્વારકાધીશ સાહેબ, એક કામ કરજો સાહેબ!! મારા વતી એક શ્રીફળ દ્વારકાધીશને ચડાવી દેશો. હું તમને શ્રીફળના પૈસા મોકલી આપીશ તમે આવો ત્યારે અને હા સાહેબ મારા વતી દર્શન કરજો!! જય દ્વારકાધીશ સાહેબ!!” ચિરાગ બોલ્યો.
“ચોક્કસ ચિરાગભાઈ , જય દ્વારકાધીશ!!!” કહીને ટીપીઈઓ સાહેબે ફોન કટ કર્યો. ધર્મશાળામાંથી નીકળીને સાહેબે ફરીથી એક શ્રીફળ લઈને દ્વારકાધીશને ચડાવ્યું અને દર્શન કર્યા.
   દરેક કર્મચારીઓને પોતાને મળતાં હકની લગભગ ખબર જ હોય છે!! ફરજ બહુ ઓછાને ખબર હોય છે!! જો દરેક કર્મચારી પોતાની ફરજો સો ટકા નિભાવે ને તો તમામને પોતાના હકો આપોઆપ મળી જાય તે વાતમાં કોઈ જ શંકા નથી!!! જય દ્વારકાધીશ!!!

9 July 2017

યાદ રાખજો તમારા બે ચાર કડવાં શબ્દો કોઈની આખી જિંદગીને કડવી કરી નાંખશે.


હાલમાં હું કલાસ-1 અધિકારી તરીકે  સ્પિપામાં ફરજ બજાવું છું. સ્પિપા એ ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપતી સંસ્થા છે. સરકારમાં નવા નિમાયેલા કર્મચારીઓની તાલીમ બેચમાં હું રેગ્યુલર લેક્ચર લેવા જાવ.મારા સ્વાભાવ પ્રમાણે લેક્ચરમાં એકદમ હળવું વાતાવરણ રાખું અને તાલીમાર્થીઓ પણ કંઇક બોલે એવો પ્રયાસ કરું.

એક બેચમાં એક હોશિયાર કર્મચારી ક્યારેય ચર્ચામાં ભાગ લેતો નહોતો. લેખિત પેપરમાં સારામાં સારા માર્ક હોઈ પણ કલાસમાં કંઈ જ ના બોલે. એકદિવસ મેં એને કલાસ પૂરો થયા પછી મારી ચેમ્બરમાં બોલાવ્યો. મેં એને પૂછ્યું કે તું કંઈ બોલતો કેમ નથી ? મને કહે 'સાહેબ, બોલવાની ઈચ્છા બહુ થાય પણ બોલી શકાતું નથી. શબ્દો બહાર નીકળતા જ નથી' મેં કહ્યું 'પણ આવું કેમ થાય છે ?' એણે મને જે વાત કરી એ શિક્ષકો અને માતા-પિતાને એક અદભૂત સંદેશો આપી જાય છે.

એ યુવકે કહ્યું, "સાહેબ, હું 7માં ધોરણમાં ભણતો ત્યારે અમારી આખી શાળામાં મારા જેવું પ્રવચન બીજું કોઈ ના કરી શકતું. હું અભિમાન નથી કરતો પણ હું ખુબ સારો વક્તા હતો. એકવાર અમારી શાળાના એક શિક્ષકે એમણે લખેલી વાર્તા મારી પાસે તૈયાર કરાવી. આ વાર્તા મારે શનિવારની સભામાં બોલવાની હતી. ગામના લોકો અને આગેવાનોની હાજરીમાં મારે આ વાર્તા કહેવાની હતી. મેં ખૂબ સરસ રીતે વાર્તા તૈયાર કરી હતી પણ ખબર નહિ હું થોડી વાર્તા બોલ્યો અને પછી ભૂલી ગયો. આવું પહેલી વખત થયું. કેમ આવું થયું એ મને આજે પણ નથી સમજાતું પણ થયું એ વાસ્તવિકતા છે. પછીતો શાળાના બધા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીમાં મારા શિક્ષકે મારું અપમાન કર્યું. બસ તે દિવસથી મારી જીભ જતી રહી. ઈચ્છા હોય પણ થોડા લોકો હાજર હોય તો શબ્દો બહાર નીકળે જ નહિ."

પેલા શિક્ષકે તો થોડા શબ્દો બોલીને પોતાનો ગુસ્સો ઠાલવી દીધો પણ એને ખબર જ નહિ હોય કે એણે કોઈની જીભ છીનવી લીધી છે. અમુક બાળકો ખુબ લાગણીશીલ હોય છે આપણે કરેલું અપમાન એના હૃદય પર ઊંડા ઘા પાડે છે જે જીવનભર રુજાતા નથી. જરૂર પડે તો બાળકને ઠપકો જરૂર આપીએ પણ જાહેરમાં એને ઉતારી પાડવાનું કૃત્ય નાં થવું જોઈએ. આ છોકરા સાથે વાત કરી ત્યારે ખબર પડી બાકી બિચારા કેટલાયને શબ્દોનાં બાણ વાગ્યા હશે અને એનાથી એની જિંદગી બરબાદ થઇ ગઈ હશે. આપણને બોલવું સાવ સહજ લાગે પણ સામેવાળાને એ ચોંટી જતું હોય.

માતા-પિતાએ પણ આ બાબતે a રાખવું જરૂરી છે. એક કોલેજિયાન  છોકરાએ મારી પાસે કબુલેલું "હું જ્યારે પરિણામ લઈને પપ્પા પાસે જાવ ત્યારે ગમે તેટલું સારું પરિણામ હોય તો પણ મારા પગ ધ્રુજતા કારણકે એકવાર પપ્પા ખીજાયા અને મારું અપમાન કર્યું ત્યારે મારું પેન્ટ ભીનું થઇ ગયું હતું બસ ત્યારથી એમની બહુ બીક લાગે છે. આજે તો મારા લગ્ન થઇ ગયા છે પણ પપ્પાની હાજરીમાં આજે પણ બોલી શકતો નથી."

જેને ભરપૂર પ્રેમ કરતા આવડતું હોય એને જ ખિજાવાનો અધિકાર છે. બાળકને કંઈ બોલ્યા હોય તો બીજી જ ક્ષણે બધું ભૂલીને એને ગળે લગાડતા પણ આવડવું જોઈએ અને જાહેરમાં બધાની વચ્ચે તો બાળકને ઉતારી પાડવાનું કામ ક્યારેય ના થવું જોઈએ.

યાદ રાખજો તમારા બે ચાર કડવાં શબ્દો કોઈની આખી જિંદગીને કડવી કરી નાંખશે.

       -   *shailesh sagpariya*