30 January 2018

દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા.

*‘બે જણને જોઈએ કેટલું?’*

*દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ.અંતે તો આપણે બે જ રહ્યા*

એક છાપું, એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી, બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય.

‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી.

સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો દાળ વિના ચાલે ને ફક્ત દાળ હોય તોય ભયોભયો!

ખીચડી એટલે બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી, અઢીસો બટાકા,ચાર પણી ભાજી, આદુ-લીંબુ-ધાણા’ થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા નાખ-નાખ થાય! ન કોઈ ખાસ મળવા આવે પછી મુખવાસનું શું કામ!

નાની તપેલી, નાની વાડકી, નાની બે થાળી, આમ આઠ-દસ વાસણો માંડ વપરાય તે એક ‘વિમ’ બે દોઢ મહિને માંડ ઘાસાય.

વળી રોજ ધોવામાં હોય ચાર કપડાં તે કિલો ‘નિરમા’ મહિને કાઢ્યો ન ખૂટે!

કોપરેલની એક શીશી એક મહિનો ચાલે ને પફ-પાવડર તો ગ્યાં ક્યારના ભૂલાયાં. પણ

પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, આપો એટલાં ઓછા. ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો લાવ લાવ થાય.

એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’ કહી જાય. તે પલકારામાં બે જણ પાછાં હતાં એવાં થઇ જાય.

પછી પાછી ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’

દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા.

               💕💘💕

આજનુ સનાતન સત્ય. ...
ઘર ઘર ની કહાણી. ..

17 January 2018

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે.

સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન(મોલ)ની શરૂઆત કરી. આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો. સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાંથી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે. વાર્તા પુરી થઈ....,, હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે. આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા. ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે? હારપીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે? ફેશવોશ વગર કઈ બાયને મુછુ ઉગી નીકળી છે? હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે? કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયન ને કાળા રહી ગયા? ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે? હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા? ડિઓડન્ટ છાંટીને નીકળયા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે?
        કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.. બાકી બગલો કયા શેમ્પુથી નહાય છે? મોરલાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે? મીંદડીને કેદી મોતીયા આવી ગયા? સસલાના વાળ કોઈ દી બરડ અને બટકણાં જોયા છે? કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે? ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે. અલાર્મ વગર કુકડો ઉઠે જ છે. મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે. સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે?
       આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચી ને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે. નેટ બંધ કરો તો દુખી, લાઈટ જાય તો દુખી, ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી, મોબાઈલનું ચાર્જર બગડે દુખી, ટીવીનો કેબલ કપાઈ તો દુખી, મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી, બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી,કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી. આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય. જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને પેઢે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે. જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.. મારે નેટ બાર વાગ્યે પુરૂ થાય છે પછી વાટકી એક વાઈફાઈ માગવા જવું પડે અને દૂખી થવું પડે એ પહેલાં ટુંકાવી અપલોડ કરી નાખું.

16 January 2018

મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું.

મને ખાલી પુસ્તકીયો ભાર ન આપો, હું શિક્ષક છું.
મને માનવ ધર્મ નો સાર ન આપો, હું શિક્ષક છું.

મારે સાંકળ નહી ઝાકળ ઝીલવાની હોય છે,
આંખે મારી સરોવર બંધિયાર ન આપો, હું શિક્ષક છું.

મારે તો ચાંદ સુરજ ઉગાડવા છે વર્ગખંડમાં,
સાવ મને મશિનનો આકાર ન આપો, હું શિક્ષક છું.

હું મથુ છુ ચોમાસું જીવતું કરવા રોજેરોજ,
મને સુકકા રણ જેવી કટાર ન આપો, હું શિક્ષક છું.

હું તો શાળાના વૃક્ષનું પતંગિયું છુ ભલા આમ,
લડવા હવા સાથે મને કટાર ન આપો, હું શિક્ષક છું.

હથેળીમાં મે હુંફ સાચવી છે લાગણીની,
તમે મારી હસ્તિને અંગાર ન આપો, હું શિક્ષક છું.

આખો હિમાલય ખળભળે છે મારી ભીતર,
મને ખળખળ કોઈની ઉધાર ન આપો, હું શિક્ષક છું.

મારી ડાળે ડાળમાં ફુટે છે આનંદની ટશરો,
મને ઉદાસી ભરેલી કોઈ સવાર ન આપો, હું શિક્ષક છું.

હું નથી મ્હોતાજ કોઈ અવોર્ડ કે પ્રમાણપત્રોનો,
ખોટો સાવ નાટકીયો પ્યાર ન આપો, હું શિક્ષક છું.

હું ફુલ છું નાજુક ભણતરનુ, ભણાવવા દ્યો,
કરમાઈ જાવ એવા કામ હજાર ન આપો, હું શિક્ષક છું.

શાળા, બાળક, શબ્દો ને પ્રેમ ચાર ધામ છે મારા,
મને કાશી, મથુરા કે હરિદ્વાર ન આપો, હું શિક્ષક છું.

14 January 2018

ભગવાનથી દૂર થયા તો સમજો આપણું જીવન તૂટેલા પતંગ જેવું....

પતંગ ઊંચા આકાશમાં અનેક રંગીન પતંગો વચ્ચે ઊડતો હોય પણ એની દોરી કોઈકના હાથમાં હોય છે. પતંગ ઊંચો ચઢાવવો ,નીચે લાવવો કે ગોથ ખવડાવવો એ ચગાવનારના હાથમાં હોય છે. જ્યાં સુધી ચગાવનારની દોરી સાથે બંધાયેલો હોય ત્યાં સુધી એની કિંમત છે.   દોરી તૂટી કે એ પતંગની કોઈ કિંમત  રહેતી નથી.કોઈ વિજળીના વાયર પર લટકે તો કોઈ ટાંકી  પર પડી રહે.રંગ ઉડી જાય, ફાટી જાય એના તરફ કોઈ જોતું પણ નથી. એવુંજ માનવ જીવનનું છે. આપણા જીવનની દોરી ભગવાનના હાથમાં છે. જ્યાં સુધી ભગવાન સાથે જોડાયેલા છે ત્યાં સુધી આપણી સુગંધ છે. ભગવાનથી દૂર થયા તો સમજો આપણું જીવન તૂટેલા પતંગ જેવું....

12 January 2018

સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ પણ ડૉકટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી..

લઘુ કથા... ( ખાલી પેટ )

આશરે ૧૦ વર્ષ નો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો...
રાધા એ બહાર આવીને પૂછ્યું, "શુ છે.. ???"

બાળક : આન્ટી... શુ હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં...??

રાધા : ના.... અમારે નથી કરાવવું...

બાળક 🙏🏼 હાથ જોડીને દયનીય લય થી બોલ્યો.. " પ્લીઝ આન્ટી કરાવી લો ને... હું બરાબર સાફ-સફાઈ કરીશ..

રાધાને દયા આવી ગઈ, એણે પુછયુ," અચ્છા ઠીક છે, પણ પૈસા કેટલા લઈશ..??"

બાળક : પૈસા નથી જોઈતા આન્ટી, મને ફક્ત જમવાનું આપી દેજો..!!

રાધા : ઓહ..!!! પણ કામ બરાબર કરજે...

છોકરો તરત જ સાફ-સફાઈ કરવા લાગ્યો... રાધાને વિચાર આવ્યો, કે છોકરો ભૂખ્યો લાગે છે... પહેલા એને જમવાનું આપી દઉં..

રાધા જમવાનું લાવી...
અને બાળક ને બોલાવીને કહ્યું પહેલા જમવા માટે આગ્રહ કર્યો... પણ બાળકે ના કહી દીધું.

બાળક : પહેલા કામ કરી લઉં પછી જ તમે મને જમવાનું આપજો...

" ઠીક છે..." કહી, રાધા પોતાના કામ માં લાગી ગઈ..

એક કલાકમાં છોકરાએ કામ પતાવી દીધું અને કહ્યું , "આન્ટી જી જોઈ લો , સફાઈ બરાબર કરી છે કે નહી..??"

રાધા : "અરે વાહ..! તે તો બહુ સરસ રીતે સાફ સફાઈ કરી છે અને માટીના કુંડા પણ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે.. તું હવે હાથ-પગ ધોઈ લે હું તારા માટે જમવાનું લઈ આવું..."

છોકરો હાથ-પગ ધોઈને આવ્યો ત્યાં સુધી માં રાધા જમવાનું લઈ આવી.. અને છોકરાનું વર્તન જોઈને એને આશ્ચર્ય થયું... છોકરો એના કપડાંના થેલામાંથી થેલી કાઢીને જમવાનું વ્યવસ્થિત રીતે ભરી રહ્યો હતો..

એ જોઈ રાધાએ કહ્યું,"તે ખાધા-પીધા વગર જ કામ કર્યું છે , તો અહીં બેસી ને જમી તો લે... વધારે જોઈતું હશે તો હું બીજું આપી દઈશ."

બાળક : નહિ આન્ટી, મારી મા ઘરે બીમાર છે. સરકારી દવાખાનામાં દવા તો મળી ગઈ પણ ડૉકટર સાહેબે કહ્યું છે કે ખાલી પેટ દવા ના લેવી..

આ સાંભળી રાધા રડી પડી..😭😭

અને પોતાના હાથે જ બાળકની માતા ની જેમ પોતાના હાથે જ બાળકને ખવડાવ્યું, એની બીમાર મા માટે પણ રોટલી બનાવી અને બાળકની સાથે જઈને એની માતાને જમવાનું આપવા ગઈ.... અને કહ્યું," બહેન, તમે ગરીબ નહી પણ બહુ શ્રીમંત છો.. જે મિલકત(બાળકને આપેલા સંસ્કાર) તમે તમારા બાળકને આપ્યા છે , એ અમે ક્યારે પણ નહીં આપી શકીયે..

11 January 2018

જન્મદિવસે મિત્રોએ ઉજવણી માર મારતાં વિદ્યાર્થીનો મણકો તૂટ્યો...

જન્મદિવસે મિત્રોએ ઉજવણી માર મારતાં વિદ્યાર્થીનો મણકો તૂટ્યો...

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળા સી.એન. વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ત્રિવેદીએ લખેલી આ પોસ્ટ વાંચવા અને વિચારવા જેવી છે.....

એક અજીબ ઘટના સામે આવી......
એક વાલી પોતાના પુત્રનું મેડીકલ સર્ટિ શાળામાં જમા કરાવવા આવ્યા.તેમના ચહેરા પર વેદના હતી.એક મહિનાની રજા માટે વિનંતી કરી. વાત- ચીત દરમ્યાન જાણવા મળ્યું કે ત્રણેક દિવસ પહેલા તેમના પુત્રનો જન્મદિવસ હતો.મિત્રો તેને શુભેચ્છા આપવા આવ્યા. ફિલ્મ છેલ્લા દિવસના દ્રસ્યનું પુનરાવર્તન થયું. મિત્રોએ મારેલા મારને કારણે તેમના પુ ત્રના છેલ્લા મણકામાં ક્રેક પડી. ડૉક્ટરે એક મહિનાનો સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી અન્યથા ઓપરેશન માટે તૈયાર રહેવાની સલાહ આપી.
ખેર મિત્રોની શુભેચ્છા આપવાની આ પદ્ધતિ મારી સમજ માં ન આવી.ફિલ્મો નું આધળું અનુકરણ સમાજને કઈ દિશામાં લઇ જઇ રહ્યો છે..?
મારી તમામ બાળકોને નમ્રવિનંતી કે આ પદ્ધતિ થી કોઈને પણ શુભેચ્છા આપશો નહીં કે આપવા દેશો નહીં.

પોસ્ટની વાત પૂરી કરીને હવે વિચારવાની વાત શરૃ કરીએ.

(1) આ અત્યંત ગંભીર ઘટના છે. આપણને ખબર જ નથી કે આનંદ અને મનોરંજન કેવી રીતે મેળવાય. જેનો જન્મદિવસ હોય તેને માર મારીને ઉજવણી થાય એ વાત કેટલી હાસ્યાસ્પદ, વાહિયાત, અમાનવીય અને ક્રૂર છે..કોઈને જન્મદિવસની શુભકામના આપવાની આ તે કોઈ રીત છે...
(2) હવે જન્મદિવસની ઉજવણી (અને અન્ય બીજી પણ ઉજવણી) ખરેખર તો પજવણી બની ગઈ છે. હવે લોકો રાક્ષસી આનંદ લેતા થયા છે. રાત્રે બાર વાગ્યે જન્મદિવસ વિશ કરવાનો પણ અવ્યવહારિક ચાલ શરૃ થયો છે. કેક મોંમાં પર લગાડીને ચહેરાને બગાડી દેવાનું પણ હવે રિવાજ બની ગયું છે.
(3) આપણે ઉજવણી કરવાની અને આનંદ મેળવવાની પદ્ધતિ જ ભૂલતા જઈએ છીએ. આપણે ક્રૂર આનંદ અને ઉપરછલ્લું મનોરંજન મેળવીએ છીએ.

(4) સી.એન.ના આચાર્ય ત્રિવેદી સાહેબે જે ચિંતા અને નિસબત વ્યક્ત કરી છે તે યોગ્ય છે. ઉજવણીની પ્રીત હોય એમ રીત પણ હોય જ ને.. કોઈ પણ ઉજવણી ક્યારેય પજવણી ના બનવી જોઈએ.

જે મિત્રોને આ પોસ્ટ વિચારવા જેવી લાગે તે મિત્રો તેને શેર તો કરે જ, પણ સાથે સાથે
આપની આજુબાજુ કોઈ આ રીતે ઉજવણી કરતું હોય, તમારા પરિવાર અને સગાં-વહાલાંમાં કે આડોશ-પાડોશમાં આ રીતે જોખમી ઉજવણી થતી હોય તો તેનું ધ્યાન દોરવું જ જોઈએ.

આલેખન.. રમેશ તન્ના

3 January 2018

આવી જા 2018 દરવાજો ખુલ્લો જ છે અંદર આવ..


આવી જા 2018
દરવાજો ખુલ્લો જ છે
અંદર આવ..

પણ જરા થોભી જા
બારસાખ નજીક રાખેલાં
પગલુછણીયે તારો
*અહમ્* ખંખેરતો આવજે..

મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે
ત્યાં *નારાજગી* વીંટાળી આવજે..

તુલસીનાં ક્યારે
મનની *અતૃપ્તિ* ચઢાવી
આવજે..

પોતાની *વ્યસ્તતા*ને બહાર ખીંટીએ ટાંગી આવજે..

પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે..

ને

બહાર રમતાં બાળકો
પાસેથી થોડું *નટખટપણું*
માંગી લાવજે..

પેલાં ગુલાબનાં છોડ પર *હાસ્ય* ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે..

લાવ, પોતાની *મૂંઝવણો* મને પકડાવી દે
તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં..

જોને તારાં માટે
સાંજ બિછાવી દીધી છે અને
સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે
આકાશે લાલીમા છાંટી છે..

પ્રેમ ને વિશ્વાસનાં ઘીમાં તાપે ચાક ચઢાવી છે
*ઘુંટડે-ઘુંટડે માણજે..*

સાંભળને..
વેલકમ 2018